Sunday 5 October 2008

... મારા દિલમાં શુ છ ...

મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાય
દુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય

એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજી
મારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય

આ કેવુ કે આંખોના સાગર પણ સુકાઇ ગયા
નહતો જોવો આવો દિવસ જ્યારે આંસુની તાણ થાય

નહી વાંચી શકો તમે મારા જીવનની કહાની
એ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ થાય

----- તમને ચાહતી રહી... -----

તમને ચાહતી રહી...

તમે મારાં છો કે નહીં, જાણ્યાં વિના તમને ચાહતી રહી,
પ્યારની એક કાલ્પનિક દુનિયા, બે પલકોમાં વસાવતી રહી.

ક્યારેક યાદ હદથી વધી જાય, આંસુઓમાં સરકાવતી રહી,
તમે પણ કરતાં હશો વિચારી, પલ્લુ પકડી મલકાતી રહી.

ભીની આંખો, કોરું હૈયું લઈ, સ્નેહનો ધોધ વરસાવતી રહી,
તમે પ્યાસ ધર્યા કરી, હું સાકી બની, શબ્દોનાં જામ પિવડાવતી રહી.

કોરાં રણને ટીપું-ટીપું પાઈ, ઝાકળ ખુદ તરસતી રહી,
જાતને નિચોવતી હું; સ્પોંજ બની, પ્યાર માટે તરફડતી રહી.

આટલું સુખ, આટલી ખુશી, તો શું મેળવવા ટળવળતી રહી?
કાચાં-પાકાં સપનાનાં પાપડ સાથે, પથારીમાં સળવળતી રહી.

તડકો નિર્લજ્જ ! રણ તરસ્યું રહયું, પ્યાસ તરફડતી રહી,
'ક્યારેક કોઈ કરજ ચૂકવવાનું બાકી રહી જતું હશે?', વિચારતી રહી.

ક્યારેક વિખરાતી, ક્યારેક સમેટાતી, હું ખુદને સાચવતી રહી,
ક્યારેક તને ખોવું, ક્યારેક તને પામું, આમ જ ખુદને જીવાડતી રહી.